'બે યાર' - મસ્ત મજાની ગુજરાતી ફિલ્મ

'બે યાર' નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ જોવાની ઈચ્છા હતી. અભિષેક જૈનનું 'કેવી રીતે જઈશ' જોયા પછી એમનું બીજું મુવી જોવાની ઉત્સુકતા રહે એ સમજાય એવી વાત છે. 'કેવી રીતે જઈશ'એ ગુજરાતી સિનેમા માટે નવા શિખરો સર કર્યા હતા અને 'બે યાર' નું ટ્રેલર જોયા પછી નક્કી જ થઇ જતું હતું કે આ ફિલ્મ ગુજરાતી સિનેમાને હજી આગળ વધારશે.

આખરે ગયા રવિવારે ફિલ્મ જોવાનું થયું અને સાચે જ ફિલ્મ જોઇને દિલ ખુશ થઇ ગયું. ખુબ જ સરસ મિત્રતાની વાર્તા, બધા જ કલાકારોનો અફલાતુન અભિનય, અદભુત સિનેમેટોગ્રાફી, જોરદાર બેકગ્રાઉન્ડ મ્યુઝીક, કોઈ ફાલતું આઇટમ સોંગ કે રોમાન્ટિક સોંગ નહી, બસ અઢી કલાકનું સંપૂર્ણ મનોરંજન. ક્યારેય મુવી ઢીલું પડતું હોય એવું લાગતું નથી. દરેક તબક્કે વાર્તા સરસ રીતે આગળ વધે છે અને અમુક દ્રશ્યો પેટ પકડીને હસાવે એવા મસ્ત બનાવ્યા છે. અમદાવાદના વિવિધ જગ્યાઓ જેવી કે એલીસ બ્રીજ, માણેકચોક, રીવર ફ્રન્ટ જોઇને મજ્જા પડી જાય છે. 'ઓ માય ગોડ' પછી ઘણાં વખતે આ સપરિવાર જોવા લાયક ફિલ્મ બની છે. મને અને દિપાલીને તો ફિલ્મ ગમી જ, મમ્મી-પપ્પાએ પણ ઘણાં વખાણ કર્યા.

આવી સરસ ગુજરાતી ફિલ્મ બનાવવા બદલ અને શાનદાર દિગ્દર્શન બદલ અભિષેક જૈનનો આભાર માનવો જ પડે. આશા રાખું કે આવી ઘણી ગુજરાતી ફિલ્મો ભવિષ્યમાં માણવા મળશે.

પાંચમાંથી સાડા ચાર સ્ટાર અપાય એવી ફિલ્મ હજી ના જોયી હોય તો રાહ શેની જુવો છો, આજે જ જોઈ આવો. તમને પણ કહેવાની ઈચ્છા થઇ જશે, 'બે યાર' શું મુવી બનાવ્યું છે!

Comments

આભાર.

ભઈ ગુજરાતી મા કેપ્ચા ખરો કોઇ ?
ગુજરતી લખવા માં મજા એવિ પડી કે અનાયાસે કેપ્ચા પણ એમા જ લખાઈ ગયો.

હી... હી....

Add new comment